શ્રી દૂધરેજ વડવાળા મંદિર
શ્રી વડવાળા મંદિર
આ સર્વાગ સુંદર મંદિરની પૂર્વ તરફ વિશાળ વટવૃક્ષના દર્શન થાય છે. આ આશ્રમના પ્રથમાચાર્ય શ્રી ષષ્ટ્પ્રજ્ઞસ્વામીજીએ વડના દાતણથી
ઉછેરેલો ગણાતો આ વડ તેની શીતળ છાયા અને પવિત્ર વાતાવરણથી મંદિર અને પટાંગણ શોભાવે છે.
શ્રી દૂધરેજ વડવાળા મંદિર પૂર્વાભિમુખ છે. મંદિર માં પ્રવેશવાના ત્રણ માર્ગ છે.
(૧) સિંહદ્વાર
વડવાળા મંદિર માં સિંહદ્વાર પુર્વ દિશા માં આવેલ છે.
(૨) નંદિદ્વાર
વડવાળા મંદિર માં નંદિદ્વાર ઉતર દિશા માં શોભે છે.
(૩) હસ્તિદ્વાર
વડવાળા મંદિર માં હ્સ્તિદ્વાર દક્ષિણ દિશા માં શોભે છે.
આ ત્રણે દ્વાર દ્વારા પોતે પોતાની દ્ર્ષ્ટીએ ઉત્કૃષ્ટ કારીગરીના નમૂના રૂપ છે. આ ત્રણ દ્વારોએ ત્રિગુણાત્મક પ્રકૃતિને પોતાની હઠ છોડી ઇશ્વર શરણ જવા માટેના ઉદારતાથી આપેલા માર્ગ છે. તો બીજી બાજુ એમ લાગે છે કે કામ, ક્રોધ અને લોભના ત્રિવિધ તાપથી બચવા માટે એક માત્ર સાધન છે. કામ, ક્રોધ અને લોભથી બચવા માનવી ઘણા સમયથી પ્રયત્નશીલ છે. તેમાથી છૂટવા મથતા માનવી ને બચાવવા ભગવાન પશુપતિ એ જાણે કે ત્રણ દ્વાર ખુલ્લા મુક્યા છે. આ ત્રણેય દ્વારો પર ત્રણ ઘૂમટો આવેલા છે. ત્રણેય ઘૂમટોની શોભા અવર્ણીય છે.
ગણપતિની બરાબર સામે અર્થાત સિંહદ્બારની દક્ષિણે હનુમાનજીની વિરાટ અને અત્યંત પ્રભાવશાળી મૂર્તિ છે. અત્યંત આકર્ષક અને તેજસ્વી આ વિશાળ મૂર્તી દર્શન કરનારના હ્રદયમાં અનેરો આનંદ ઉત્પન્ન કરે છે.
અહીંથી પગથીયા ચડી આગળ જતાં મધ્ય ભાગના વિશાળ ઘૂમટની નીચે પહોંચીએ છીએ. મધ્યના સિંહદ્વારના અને બાજુના નંદિદ્વાર તથા હસ્તીદ્વારના ત્રણ ઘૂમટ મળીને વિશાળ ચોક બનાવે છે. આ ચોકના અંત ભાગમાં બેસવા માટેના ઊંચી બેઠકવાળા ઓટા છે. ઘૂમટનો મધ્ય ભાગ સંતો અને ભક્તોને પોતાની શીતળ છાયા નીચે આશ્રય અને વિશામો પૂરો પાડે છે.
ઘૂમટના પથ્થરમાં નવ ગ્રહનાં સુંદર ચિત્રોની રમણીયતા આંખને આકર્ષી રહે છે. આ નવે ગ્રહો વટનાથ અથવા ભગવાન શ્રીરામના શરણે આવેલાને સદૈવ અનુકૂળ રહેવા ચૂપચાપ બેસી ગયા હોય એમ લાગે છે
ઘૂમટ નીચેના વિશાળ ચોકમાં ભગવાનના મંદિર આડે જડી દીધેલ જાળીમાંથી ભગવાનનાં દર્શન કરી શકાય છે. તેમજ તે જાળીમાંથી અંદર પ્રવેશી બધા ભગવાનના વધુ નિકટતાથી દર્શન કરી શકાય છે. અંદર પ્રવેશતા પાંચ દેવો બિરાજેલા છે તેમા ડાબી તરફથી જમણી તરફ જતા અનુક્રમે શ્રી દ્વારકાનાથજી, શ્રી વટનાથ, ભગવાન શ્રીરામચંદ્રજી, સ્વામી ષટપ્રજ્ઞદાસજી અને ભગવાન શ્રી શંકર એમ પાંચ દેવો બિરાજેલા છે. એ પાંચ દેવો એ પ્રકૃતી દેવીએ નિર્માણ કરેલા આકાશાદિ પાંચ તત્વોનું મૂર્તિમંત સ્વરૂપ હોય એમ શોભે છે. મંદિરના પૂર્વ તરફના પાછલા ભાગમાં એટલે કે સિંહદ્વારના ઇશાન ખૂણે શ્રી ષટપ્રસાદજી મહારાજે વાવેલ વિશાળ વટવૃક્ષ છે.
આમ ભગવાન વટનાથના નામે ઓળખાતું આ સુંદર મંદિર કલાકારીગરીના ધામ સમાન છે. વિદ્વાનોને પણ એ જોવાનુ મન થાય એવી શૈલીએ બંધાયેલું આ મંદિર જિલ્લામાં વિશિષ્ટ ભાત પાડે છે.
સંત સમાધી દર્શન
દુધરેજ મંદિરમાં તેના આધ્યસ્થાપક આચાર્ય ષટ્પ્રજ્ઞસ્વામીજીની સમાધિ ઉપરાંત બીજી ૨૨ સમાધિઓ છે. ષટ્પ્રજ્ઞસ્વામીજીની સમાધિની જમણી તરફ સમાધિની ત્રણ લાઈનો છે. તેમાં પ્રથમ ત્રણ સમાધિઓ છે. તેમાથી વચલી સમાધિ ઘુમટાવાળી ગંગારામજી મહારાજની છે. તેઓ વિ.સં. ૧૯૪૮ મા સમાધિસ્થ થયા છે.આ સમાધિથી ઉત્તરે આવેલી સમાધિ ગંગારામજી મહારાજના સમયના કોઠારી શ્રી વિષ્ણુદાસજીની છે. તેઓ વિ.સં.૧૯૪૮માં સમાધિસ્થ થયા.ગંગારામ મહારાજની સમાધિથી દક્ષિણ તરફ ગોવિંદરામ મહારાજની સમાધિ છે. તેઓ વિ.સં. ૧૯૫૪ મા સમાધિસ્થ થયા.આ બન્ને સમાધિની વચ્ચે રહેલી જગ્યામાં મેઘાસ્વામીના ચરણ પધરાવેલ છે.
આ ત્રણ સમાધિ પછવાડે એટલે કે તેના પાછળના ભાગમાં સાત સમાધિઓ છે. તેમાં દક્ષિણ તરફથી ગણતા પહેલી સમાધિ મહાત્મા પં.તુલસીદાસજીની છે. બીજી ફૂલ-સમાધિ મહંત શ્રી ગોકળદાસજી મહારાજની છે. તેઓ શ્રી ૧૯૧૧ માં નિર્વાણ પામ્યા છે. તેઓ શ્રી ની મૂળ સમાધિ બાકરથલી ગામની સીમમાં પણ છે. ત્રીજી સમાધિ ક્રુષ્ણદાસજી મહારાજની છે. તેઓ સં.૧૮૯૫ માં નિર્વાણ પામ્યા છે. ચોથી સમાધિ સં.૧૮૫૫માં નિર્વાણ પામનાર શ્રીમાનદાસજી મહારાજની છે. પાંચમી સમાધિ સં.૧૮૦૯માં નિર્વાણ પામેલ ભાવદાસજી મહારાજની છે. છઠ્ઠી સમાધિ કેવળદાસજી મહારાજની છે. તેઓ સં.૧૯૧૮માં નિર્વાણ પામ્યા છે. સાતમી સમાધિ રત્નદાસજી મહારાજની છે. તેઓ સં.૧૮૩૦ માં નિર્વાણ પામ્યા છે.
આ સાત સમાધિઓના પાછળના ભાગમાં ત્રીજી લાઈન ૧૧ સમાધિઓની છે. તેમાં દક્ષિણ તરફથી ગણતાં પહેલી સમાધિ ગંગાસ્વરૂપ લાધીમાતાજીની છે. તેમના પછી બીજી સમાધિ રામરતનદાસજી મહારાજની છે. જયારે ત્રીજી સમાધિ ભંડારી રામદાસજી મહારાજની છે. ચોથી સમાધિ ધર્મદાસજી મહારાજની છે. તેઓ શ્રી એ યોગ વડે જીવતા સમાધિ લીધી છે. પાંચમી સમાધિ લબ્ધરામજી મહારાજની છે. તેઓ શ્રી સં.૧૮૧૫ માં સમાધિસ્થ થયા છે. છઠી સમાધિ જમનાદાસજી મહારાજની છે. તેઓ શ્રી સં.૧૯૩૩ માં સમાધિસ્થ થયા છે. સાતમી ચરણપાદુકા ષટ્રપ્રજ્ઞસ્વામીજીના ગુરુભાઈ અમરદાસજી મહારાજની છે. તેઓ શ્રીની સમાધિ જૂનાગઢ જિલ્લાના મેસવાણ ગામે પણ છે.
સદગુરુ વર્ય શ્રી સષ્ટપ્રજ્ઞ સ્વામીજી ની સમાધી
તેમના પછી આઠમી સમાધિ ષટ્રપ્રજ્ઞસ્વામીજીની છે. તેઓ શ્રી સં.૧૭૮૬ મા જીવતા સમાધિસ્થ થયા છે. નવમી સમાધિ ગંગાસ્વરૂપ યશોદાબાઈની છે. તેઓ પણ સં.૧૭૮૬ માં જીવતા સમાધિસ્થ થયા છે. દશમી સમાધિ ગંગાસ્વરૂપ હીરાબાઈ ની છે. તેમને પણ સં.૧૭૮૬ મા જીવતા સમાધિ લીધી છે. ત્યાર પછી અગીયારમી સમાધિ કોઠારી શ્રી માધવદાસજી મહારાજની છે. તેઓ સં.૧૯૫૭ માં સમાધિસ્થ થયા છે. તેઓ ગોવિંદરામ મહારાજના સમયા મા કોઠારી હતા.શ્રી ષટ્રપ્રજ્ઞસ્વામીજીની સમાધિના પૃષ્ટ ભાગમાં જે સમાધિ છે. તે જાનકીદાસજી મહારાજની છે. તેઓ સં.૧૯૬૬ માં સમાધિસ્થ થયા.પૂ. શ્રી ષટપ્રજ્ઞસ્વામીજી પાસે આવેલી હનુમાનજીની મૂર્તી શ્રી લબ્ધરામજી મહારાજે પધરાવેલી છે. એ હનુમાનજીના પૂર્વોત્તર કોણમાં બે સમાધિઓ છે. તેમા દક્ષિણ તરફની ધૂમટીવાળી મોટી સમાધિ મહારાજશ્રી રઘુવરદાસજીની છે. તેઓ શ્રી સં.૧૯૮૦ ના શ્રાવણ વદ અષ્ટમીને શુક્ર્વારે સમાધિસ્થ થયા છે.આ સમાધિથી ઉત્તર તરફનીસમધિ સં.૧૯૮૨માં સમાધિસ્થ થયેલ વિષ્ણુદાસજી મહારાજના સમયમાં કોઠારી હતા. સમાધિની આગળહનુમાનજીની મોટી મૂર્તિ છે તે શ્રી ગોકુળદાસજી મહારાજની પધરાવેલી છે.રઘુવરદાસજી મહારાજની સમાધિથી દક્ષિણ તરફ મહંત શ્રી જીવરામદાસજી મહારાજની સમાધિ આવેલી છે તેઓશ્રી સં.૧૯૯૭ માં સમાધિસ્થ થયેલ છે. મહંતશ્રી રઘુવરદાસગી ગુરુશ્રી ગંગારામજીની ફુલ સમધિની ઉત્તરે મહંતશ્રી ભગવનદાસજી ગુરુશ્રી ગંગારામજીની ફુલ સમાધિ છે. તેઓ શ્રી સૂરજદેવળ મંદિરના સ્થાપક હતા.મહંતશ્રી ભગવાનદાસજી મહારાજની સમાધિથી ઉત્તરે આચાર્ય શ્રી અભયરામજી મહારાજની સમાધિ આવેલી છે. તેઓશ્રી સં.૨૦૨૪ માં સમાધિસ્થ થયા છે.
મહંતશ્રી જીવરામદાસજી મહારાજની સમાધિથી દક્ષિણ તરફ મહંતશ્રી ગોમતીદાસજી મહારાજની સમાધિ છે. તેઓશ્રી સં.૨૦૧૮ માં સમાધિસ્થ થયા છે.મહંતશ્રી ગોમતીદાસજી મહારાજની સમાધિથી ઉત્તરે કોઠારી ચતુરદાસજીની સમાધિ છે. શ્રી ગુલાબદાસજી મહારાજની સમાધિ દૂધરેજ રામજી મંદિરમાં છે. તેઓ સં.૧૯૧૩ માં સમાધિસ્થ થયા છે.દૂધરેજ ઓધવદાસજી મહારાજની સમાધિ છે. તેઓ સં.૧૯૦૭માં સમાધિસ્થ થયા છે. સં.૧૯૨૭માં સમાધિસ્થ થયેલા શ્રી મેઘસ્વામીની સમાધિ પણ દૂધઇમાં છે. શ્રી યાદવસ્વામીની સમાધિ ઝીંઝુવાડા ઝિલ્કા સરસ્વતીના તટ ઉપર છે. શ્રી નીલકંઠ સ્વામી તથા રઘુનાથ સ્વામીજી એ બંને ઉત્તરકાશીમાં સમાધિસ્થ થયા છે.
ગુરુ વર્ય શ્રી કલ્યાણ દાસજી મહારાજ ની સમાધિ